ભરૂચના આર.કે. કાસ્ટા શોપિંગ સેન્ટરમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. શોપિંગની લિફ્ટ બીજા માળે બંધ થઈ જતાં સિક્યુરિટી ગાર્ડે તેનો દરવાજો ખોલતાં અંદર રહેલાં પરિવારનું 4 વર્ષનું બાળક અચાનક બહાર નિકળી આવ્યું હતું. જોકે, લિફટ ફલોરથી બે એક ફૂટ ઊંચી હોવાને કારણે બાળકે સંતુલન ગુમાવી દેતાં લિફ્ટ અને ફ્લોરના ગેપમાંથી બેઝમેન્ટમાં પટકાયું હતું. ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ થતાં ભરૂચની બે ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યું હતું. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે રહેતાં દેવેન્દ્રસિંહ મનહરસિંહ પરમાર ખેતીકામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના 4 વર્ષીય પુત્ર તીર્થરાજસિંહ છેલ્લા ત્રણ ચાર દિવસથી બિમાર હતાં. દરમિયાનમાં દેવેન્દ્રસિંહ તેમજ તેમની પત્ની તેમના પુત્રને લઈને ગુરુવારે સવારે ભરૂચ શહેરમાં આવેલાં આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરમાં આવેલી ચાઈલ્ડ કેર હોસ્પિટલમાં બતાવવા જઈ રહ્યાં હતાં. તેઓ લિફ્ટમાં બેસી ત્રીજા માળે જઈ રહ્યાં હતાં. તે વેળાં બીજા માળે તેમની લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી. જેના પગલે સિક્યુરિટી ગાર્ડ્સે દોડી આવી લિફ્ટનો દરવાજો ખોલ્યો હતો. જોકે, લિફ્ટ બીજા માળના ફ્લોરથી બે ફૂટ ઊપર અટકેલી હતી. લિફ્ટ ખોલતાં જ તેમનો 4 વર્ષનો પુત્ર તીર્થરાજસિંહ અચાનક લિફ્ટમાંથી બહાર દોડી ગયો હતો. જોકે, લિફ્ટ ઊંચી હોવાથી તેનું સંતુલન નહીં રહેતાં તે લિફ્ટ અને ફ્લોરના ગેપમાંથી નીચે બેઝમેન્ટમાં પટકાયો હતો.
