11

ભરૂચ આઈ.સી.ડી.એસ.શાખા, જિલ્લા પંચાયત ભરૂચ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જિલ્લામાં તા.25 સપ્ટેમ્બર થી 3 ઓકટોબર 2026 દરમ્યાન આંગણ મિલન સેવા એટલે કે આંગણોત્સવ કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓ અને ઘટકમાં આવેલી આંગણવાડીઓમાં બાળકો, માતાઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ઉત્સાહભેર યોજાઈ હતી.

ભરૂચ, અંકલેશ્વર, આમોદ, વાગરા, હાંસોટ, જંબુસર, વાલીયા, નેત્રંગ, ઝઘડિયા સહિતના તમામ વિસ્તારોમાં મળીને કુલ 1374 આંગણવાડીઓમાં કુલ 44,544 લાભાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કેન્દ્રના નાના ભૂલકાઓ દ્વારા વિવિધ સુંદર પ્રવૃત્તિઓ રજુ કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રોને સુંદર અને આકર્ષક રંગોથી શણગારી વાતાવરણને ઉત્સવમય બનાવવામાં આવ્યુ હતુ.

બાળકો અને કિશોરીઓનો ઉત્સાહ વધારવા માટે, પોષણના ધોરણોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોષણ ચેમ્પિયન બનેલા બાળકોને તેમજ કિશોરીઓને આગેવાનોના હસ્તે ઈનામ, તાજા ફળો, સુખડી તથા વિશેષ ગીફટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ગ્રામીણ સ્તરે પાયાની સેવાઓ પુરી પાડતી આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોની ઉત્કૃષ્ટ તથા નિષ્ઠાપુર્વક સેવાઓની કદર કરીને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જિલ્લામાં જુન-26 દરમ્યાન નામાંકન થયેલ નવા બાળકો 4800 ને ઓ.એન.જી.સી. અંકલેશ્વર તરફથી આંગણ ઉત્સવ દરમ્યાન સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો