અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પશુઓના આરોગ્ય અને પશુપાલકોની આજીવિકા સુધારવા માટે એક મહત્વપુર્ણ કદમ ઉઠાવવામાં આવ્યુ છે. પશુઓને જીવલેણ રોગોથી બચાવવા માટે ચલાવાયેલા વિશેષ એચએસ (HemorrhagicSepticemia) રસીકરણ અભિયાન અંતર્ગત માત્ર એક મહિનામાં જ 4900 થી વધુ પશુઓને રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લા પશુપાલન વિભાગના માર્ગદર્શન અને અદાણી ફાઉન્ડેશનના સંકલિત પશુધન વિકાસ કાર્યક્રમ હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ફાઉન્ડેશનના ટેક્નિકલ પાર્ટનર બાયફ સંસ્થાના એ.આઈ. ટેકનીશીયન ટીમે વાગરા તાલુકાના 30 જેટલા ગામોમાં ઘરે ઘરે પહોંચીને આ સઘન કામગીરી પાર પાડી હતી. રસીકરણથી પશુઓમાં ચેપી રોગોનું જોખમ અને મૃત્યુદર ઘટશે. આ અભિયાનની સફળતાની નોંધ અદાણી પોર્ટ, દહેજ ખાતે યોજાયેલી ટાઉન હોલ મિટીંગમાં પણ લેવામાં આવી હતી. અદાણી પોર્ટ દહેજના સીઓઓ કેપ્ટન ધર્મ પ્રકાશ દ્વારા સમગ્ર ટીમની વિશેષ પ્રસંશા કરવામાં આવી હતી.
