સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાતાં ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળતો હતો. બપોરના સમયમાં આકરા તાપના કારણે મતદાન મંદ થયું હતું. બપોર બાદ ફરી મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. લોકોએ ઉત્સાહભેર મતદાન કરતાં સાંજે 6 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકામાં સરેરાશ 67 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા પંચાયતમાં 72 ટકા જ્યારે 9 તાલુકા પંચાયતમાં સરેરાશ 72 ટકા મતદાન નોંધાયું હતું. જો કે હજુ ફાઇનલ રિઝલ્ટ જાહેર નથી કરાયું


ભરૂચ જિલ્લામાં 4 નગરપાલિકા, નવ તાલુકા પંચાયતની 182 બેઠકો માટે આજરોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત માટે 111, 9 તાલુકા પંચાયતો માટે 500 અને નગરપાલિકાઓ માટે 345 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં હોઇ જિલ્લાના 10.86 લાખ મતદારો પૈકીના જાગૃત મતદારો તેમના પસંદગીના ઉમેદવારોને વિજય કરવા ઇવીએમના બટન દબાવ્યાં હતાં. જેમાં વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા મતદાન મથકો પર મતદારો માટે એકંદરે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. બીજીબાજુ મતદાન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. ઘણા મતદાન મથકોમાં સવારે ઈ.વી.એમ. ખોટકાયા હોવાના અહેવાલો પણ બહાર આવ્યા હતા. જે તત્કાલીન ધોરણે તંત્ર દ્વારા દુરસ્ત કરી મતદાન પ્રક્રિયા પૂર્વવત કરાઈ હતી.

સવારથી જ ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. જેમાં 11 વાગ્યા સુધીમાં ચાર નગરપાલિકાઓમાં જોઇએ તો જંબુસરમાં 25.10 ટકા, આમોદમાં 37.09 ટકા, ભરૂચમાં 20.07 ટકા અને અંકલેશ્વરમાં પણ 23.77 ટકા મતદાન નોંધાયું હતું. બપોરના સમયે ઉનાળાના આકરા તાપને લઈ મતદાનની ગતિ મંદ પડી હતી. જોકે આમ છતાં પણ મતદાનની ટકાવારીમાં વધારો થયો હતો. 3.00 વાગ્યા સુધીમાં ચારેય નગરપાલીકાઓનું સરેરાશ મતદાન 50.21 ટકા એ પહોંચ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો સવારના પહેલા 2.00 કલાકનું મતદાન માત્ર 12.11 હતું. બપોરે 3.00 વાગ્યે મતદાનની ટકાવારી 58.51 એ પહોંચી હતી. ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં સવારના 7 થી 11 વાગ્યા સુધીમાં 30.14 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જે ત્રણ વાગ્યા સુધીમાં વધીને 58.41 ટકા સુધી પહોંચ્યું હતું.

સાંજે પાંચ વાગ્યા સુધીમાં જીલ્લા પંચાયતની ટકાવારી 67 ટકાએ પહોંચી હતી. જ્યારે 9 તાલુકા પંચાયતમાં સરેરાશ 67.67 ટકા નોંધાયું હતું. જ્યારે નગરપાલિકામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 61.06 મતદાન નોંધાયું હતું. સાંજે 6.00 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તમામ ઈ.વી.એમ. મશીનોને સીલ કરી જે તે તાલુકાના સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવાયા હતા.

ઉલ્લેખનીય છે કે ભરૂચની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયતની 182 બેઠકો તથા જીલ્લા પંચાયતની 33 બેઠકોના 956 જેટલા ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ. માં સીલ કરાયું છે. આગામની 28 એપ્રીલના રોજ મતગણતરી હાથ ધરાતાં આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોણ વિજેતા થશે તે બહાર આવશે.

ભરૂચમાં EVM ખામી સર્જાઇ

ભરૂચ પાલિકા વોર્ડ નં. 2માં આવેલા છીપવાડ સ્કૂલ અને અંજુમન સ્કૂલ ખાતે મતદાન દરમિયાન EVM મશીનમાં ખામી સ્ર્જાતા મતદાન પ્રક્રિયા આશરે 30 થી 40 મિનિટ સુધી અટકી ગઈ હતી. બાદમાં તકનીકી ટીમ દ્વારા ખામી દૂર કરવામાં આવતા મતદાન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

નવા તવરાના ગ્રામજનોમાં ભારે આક્રોશ

નવા તવરા ગામે ઘર આંગણે મતદાન મથક હોવા છતાં પણ નવા તવરા ગામના વોર્ડ નંબર 7 માં 1100 થી વધુ મતદાતાઓને મતદાન કરવા જુના તવરા ગામે દોઢથી બે કિમી અંતર કાપી મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલી પડી રહી હતી. જેથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ભરૂચમાં મતદાન દરમિયાન વીજળી ગુલ થતાં ઇકરા બૂથ પર મીણબત્તીના પ્રકાશમાં મતદાન

ઇકરા બૂથ પર અચાનક વીજળી ગુલ થતાં મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મતદાન ચાલી રહ્યું હતું ત્યારે જ વીજ પુરવઠો બંધ થતાં સમગ્ર મતદાન મથક પર અંધારું છવાઈ ગયું હતું. વીજળીના અભાવે મતદારોને મીણબત્તી અને બેટરી (ટોર્ચ)ના પ્રકાશમાં પોતાનો મતાધિકાર ઉપયોગ કરવાનો વારો આવ્યો હતો. આ પરિસ્થિતિને કારણે મતદાન પ્રક્રિયામાં થોડો વિક્ષેપ સર્જાયો હતો. તેમ છતાં, મતદારોમાં લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ યથાવત રહ્યો હતો અને મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં લોકોએ મતદાન ચાલુ રાખ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: