આમોદ તાલુકાના દોરા ગામની સાત તેજસ્વી બાળકીઓ તથા એક બાળકે ગિનેઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી દોરા ગામ, આમોદ તાલુકા તેમજ સમગ્ર ભરૂચ જિલ્લાના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી છે.
વડોદરા ખાતે તા. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિ નારાયણ સંસ્થા (BAPS)ના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ફેરમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 12,723 બાળકોએ એકસાથે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું કંઠસ્થ પઠન કરી ગિનેઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.આ સિદ્ધિમાં દોરા ગામની ખુશી પટેલ, કાવ્યા પટેલ, કક્ષા પટેલ, આન્વી પટેલ, આરોહી પટેલ, તુલસી પટેલ, પ્રાર્થના પટેલ તથા ધ્યેય પટેલે ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના ગામનું નામ વિશ્વસ્તરે ગૌરવપૂર્વક ઉજાગર કર્યું હતું. આ સમાચાર ગામમાં પહોંચતા જ ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી.બાળકોને આ અનોખી સિદ્ધિ સુધી પહોંચાડવામાં દોરા ગામ સ્થિત BAPS મંદિરના સંચાલક અવંતિકા પટેલ અને અલકાબેન પટેલનું વિશેષ યોગદાન રહ્યું હતું. તેમણે બાળકોને નિયમિત તાલીમ, માર્ગદર્શન અને સતત પ્રેરણા આપી સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરાવ્યા હતા.










