ભરૂચ નજીક જુના તવરા ગામે આવેલા પ્રસિદ્ધ શ્રી ચિંતનાથ મહાદેવજીના મંદિરમાં આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે નર્મદા તટ પરના ગામેગામ પ્રસિદ્ધ શિવમંદિરો આવેલ છે તો અનેક સ્થાનો પર ઋષિઓએ તપ કર્યા હોવાના ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે. નર્મદા પુરાણમાં તરણેશ્વર અને આજે તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ કર્યુ હોવાનું કહેવાય છે. શાસ્ત્રોમાં કપિલમુનિને શિવ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે.
એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા જયાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા. ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા જયાં તેમને તપ કર્યુ હતુ અહીં તેમને કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી સપ્ત શિવલિંગની સ્થાપન કરી હતી જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિધ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે. અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાથી મુક્ત થતા ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે. રેવા પુરાણમાં દર્શાવ્યા મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યુ હતુ. બાણાસુરે અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી જો કે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલુ છે. મોગલ શાસન દરમ્યાન ઔરંગઝેબે ચઢાઈ કરી હતી ઔરંગઝેબના સૈન્યે મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતા તેમાંથી દૂધની ધારાઓ વછૂટી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યુ હતુ પછી તેઓ સૈન્ય લઈને અંગારેશ્વર ગામે ગયા હતા. આ તવરા ગામના ચિંતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે અને મંદિરના દર્શન કરી ચિંતામુકત થાય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો