ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર અને શુકલતીર્થ ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે ભાદરવા વદ નોમના પાવન દિવસે આંગરેશ્વર-શુકલતીર્થ ક્ષેત્રમાં આવેલા શ્રી મનીષાનંદ આશ્રમ ખાતે સામૂહિક પિતૃતર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભાવપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 270થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

આશરે ત્રણ કલાક સુધી ચાલેલી તર્પણ વિધિ દરમિયાન ઉપસ્થિત પરિજનો દ્વારા શાસ્ત્ર્રોક્ત વિધિથી તર્પણ અને પિંડદાન કરવામાં આવ્યું હતું. પિતૃઓ, તેમજ મહાપુરુષોને સ્મરણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. શુકલતીર્થ ખાતે યોજાતો આ સામૂહિક પિતૃતર્પણ કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી શ્રી મનીષાનંદ આશ્રમ ખાતે યોજાઈ રહ્યો છે. આ વર્ષે પણ ભરૂચ શહેર ઉપરાંત આસપાસના ગામો તેમજ અમદાવાદ અને વડોદરાથી પરિજનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ગાયત્રી પરિવારના પરિજનો તથા પ્રવીણભાઈ અને તેમની વાદ્યસંગીત ટીમ દ્વારા તર્પણ વિધિ અંગે શાસ્ત્ર્રોક્ત સમજ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવારના ભાઈ-બહેનોએ પૂજા સામગ્રીની વ્યવસ્થા સહિતની સેવાઓ આપી હતી. આશ્રમના ટ્રસ્ટી છબીલદાસજીના હસ્તે દીપ પ્રાગટય કરાયુ હતું. ગાયત્રી પરિવાર, મનીષાનંદ આશ્રમ અને આંગરેશ્વર ગ્રામજનોના સહકારથી કાર્યક્રમ સફ્ળ રહ્યો હતો.