ભરૂચ તાલુકાના પાલેજ ખાતે થોડા દિવસ પહેલાં એક બાળકનું રેસ્ટોરન્ટમાંથી લાવેલો ખાદ્ય વસ્તુ આરોગ્યા બાદ મોત થવાની ઘટના બાદ આરોગ્ય વિભાગે શહેર જિલ્લામાં ચેકીંગ હાથ ધર્યું છે.દરમિયાનમાં ચોમાસાની ઋતુ તેમજ આગામી દિવસોમાં આવી રહેલાં તહેવારોને ધ્યાને લઈને ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેની સૂચના હેઠળ ભરૂચ એસડીએમ મનીષા માનાણી, ડીવાયએસપી સી. કે. પટેલના નેતૃત્વ હેઠળ વહિવટી તંત્ર, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ફાયર અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમો દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તાર સહિત બાયપાસ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

ટીમોએ ભરૂચના બાયપાસ વિસ્તારમાં 13 જેટલી હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં મોટા ભાગના એકમોમાં ફૂડ એન્ડ સેફ્ટી એક્ટના શિડયુઅલ-4 મુજબ્ના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા તેમજ એકસપાયરી ડેટ વાળી સામગ્રી સહિતના પરીબળોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ટીમે તમામ હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ કરી તેમાંથી ચિકન, આથો, સોસની બોટલો, ગ્રેવી, પનીર સહિતના વાસી અને અયોગ્ય ખાધ્ય પદાર્થોનો અંદાજે 58 કીલોનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ તેના સેમ્પલો લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યાં હતાં. એસડીએમ મનીષા માનાણી તેમજ ડીવાએસપી સી. કે. પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ હોટલ-રેસ્ટોરન્ટમાં તમામ પ્રકારની સુવિધાઓ-અસુવિધાઓ સહિત અનહાઈજેનિક સ્થિતીનું નિરીક્ષણ કર્યું હતુ. તપાસ કામગીરી દરમિયાનમાં વિસ્તારમાં આવેલી અસલ અમદાવાદી તવાફ્રાય, સુરતી 12 હાંડી, બોસ કિચન, એસએન તવા ફ્રાય એન્ડ ચાઈનીઝ, ખાનાખજાના હોટલમાં ફુડ સેફ્ટી એક્ટના શેડયૂલ-4 મુજબના નિયમોનું ઉલ્લઘન કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. જેના પગલે પાંચેય હોટલોને તાત્કાલિક અસરથી બંધ કરવા માટે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે, આ એકમોને સીઝ કરવામાં આવ્યા નથી. જોકે, ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા અર્થે જરૂરી ચોખ્ખાઈ અને નિયમોનું પૂર્ણપણે પાલન ન થાય ત્યા સુધી વેચાણ બંધ રાખવા માટે આદેશ અપાયો છે.