ભરૂચ શહેરમાં આવેલી સરકારી કંપની જીએનએફસીની રેસિડેન્સીયલ ટાઉનશીપમાં દીપડો ઘૂસી આવવાની ઘટનાને પગલે છેલ્લા પાંચ દિવસથી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. જોકે, વનવિભાગની ટીમના સતત સર્ચ ઓપરેશન બાદ આખરે દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળતા ટાઉનશીપના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જીએનએફસી ટાઉનશીપના સ્ટ્રીટ નંબર 9,14 તેમજ 24માં દીપડો લટાર મારતો હોવાની ઘટના પાંચ દિવસ પહેલાં સામે આવી હતી. વનવિભાગ દ્વારા દીપડાની તપાસ કરવા જતાં દીપડો ત્યાંથી ભાગ્યો હોવાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. દરમિયાનમાં દીપડાની હયાતીની વાત ટાઉનશીપમાં ફેલાતાં ત્યાં રહેતાં પરિવારોમાં ફફડાટ ફેલાયો હતો. નાના બાળકો તેમજ વૃદ્ધો ટાઉનશીપના ગ્રાઉન્ડમાં ફરતાં હોઈ તેમના જીવને જોખમની દહેશત પરિવારોમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાને પગલે વન વિભાગે વિસ્તારમાં ઝીણવટભરીતપાસ કરતી દીપડાના પદમાર્ક શોધી તેના આધારે દીપડાના એકંદરે નિયમીત આવવા જવાના રસ્તા પર તેમણે પાંજરા મુક્યાં હતાં. અરસામાં રાત્રીના સમયે દીપડો વન વિભાગે મુકેલાં એક પાંજરામાં પુરાઈ ગયો હતો. ટીમે તેનું તબીબી પરીક્ષણ કરી તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવા માટેની કવાયત હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો