સંજેલી તાલુકાની કોટા ગ્રામ પંચાયતમાં હાલ આવાસનો સર્વે કરાયો હતો. જેમાં 206 જેટલા લોકોની સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેમાં એક વખત મળેલ લાભવાળા લોકોનું પણ નામ યાદીમાં આવતા અને સરપંચના માતા અને પેન્શનર અને પંચાયત સભ્યના પરિવારના નામો આવતા કોટા ગામના નરેન્દ્રકુમાર બારીયા દ્વારા તાલુકા,જિલ્લા તેમજ રાજયકક્ષાએ રજૂઆત કરાઇ છે. જે ખરા અર્થમાં લાભાર્થી છે તેઓના યાદીમાં નામ ન હોવાને કારણે તેઓનો રિ-સર્વે કરવામાં આવે અને જરૂરિયાતમંદને સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે દિશાના કામ કરવા જણાવ્યું છે. કોટા ગામમાં આવાસના 206 લાભાર્થીની યાદી પ્રસિદ્ધ કરાઇ છે. જેમાં એક ઘર ના બે લાભાર્થીઓ અને સરપંચના માતા અને રિટાયર્ડ શિક્ષકના નામો આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો. જે અંગે સ્થાનિક જાગૃત નાગરીક દ્વારા રજૂઆતો કરાઇ છે કે, યાદીમાં સમાવેશ થયેલ નામોની તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને ખરા અર્થમાં જે લાભાર્થીને આજ સુધી કોઈ લાભ મળેલ નથી તેવા લોકોને લાભ મળે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું છે. આ યોજનામાં કોટા ગામમાં એકજ પરિવારના બબ્બે લાભાર્થીનો સમાવેશ કરેલ છે. તેમજ પાકા આલીશાન મકાન ધરાવતા લોકોનો પણ સમાવેશ કરેલ છે. અરજદારે આક્ષેપ કર્યા છે કે, તંત્રની મિલીભગતથી આ યાદી બનાવેલ છે. એટલે સરકારની ગાઈડ લાઇન મુજબના ખરા લાભાર્થીઓ યોજનાના લાભથી વંચિત જણાઈ આવે છે. જેથી સરકારી તંત્ર દ્વારા યોગ્ય સર્વે કરવામાં આવે અને ખરા લાભાર્થીને આ આવાસ યોજનાનો લાભ મળે તો જે લોકો ગરીબ છે. આવાસ યોજનાથી વંચિત છે. તેઓના સપનાનું ઘર બને તેવી સ્થાનિકોની માંગ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો