ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલ કિંજલ કેમિકલ કંપની દ્વારા ગત તારીખ 7 જુલાઈ 26 ના રોજ કોઈ કારણોસર મોટાપાયે કેમિકલ જાહેરમાં છૂટયું હતું, જેના કારણે કંપનીની બાજુમાં આવેલા ખેતરમાં કેળ ના ઉભા પાકને ખૂબ મોટાપાયે નુકસાન થવા પામ્યું હતું, જે બાબતને આજે એક માસ થવા આવ્યો હોય બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂત આગેવાન સંજય દેસાઇ તથા અન્ય ખેડૂતો દ્વારા ઝઘડિયા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કે કિંજલ કેમિકલ કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવતી ગેરકાયદે પ્રવૃતિઓને કારણે ખેડૂતોને તેમજ જાહેર હિત ને ભારે નુકસાન થઈ રહ્યું છે, કંપની દ્વારા દર વર્ષે કેમિકલ વેસ્ટ યુકત પાણી ખેતરમાં છોડવામાં આવે છે, જેના કારણે ઉભા પાકને તેમજ ખેતી ની જમીનની ફ્ળદ્રુપતાને ભારે નુકસાન થયું છે અને જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ઘટી રહી છે, ગત માસે કંપની દ્વારા કેમિકલ વેસ્ટ ખેતરમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે કેળ ના અંદાજે 1500 થી 2000 થડ ને નુકસાન થયું હતું, આ બાબતે ઝઘડિયા મામલતદાર, જીપીસીબી કચેરી અંકલેશ્વર, નાયબ કલેકટર ઝઘડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર ઝઘડિયા, તાલુકા ખેતીવાડી અધિકારી ઝઘડીયા, બાગાયત કચેરી ભરૂચ, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તથા કલેકટર સમક્ષ લેખિત અરજીઓ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો