અંકલેશ્વરના દીવા રોડ પર ઓરેન્જ સિટી પાસે બની રહેલા નાળાની વિવાદિત કામગીરી વચ્ચે આખરે કોન્ટ્રાક્ટર દ્વારા હંગામી કાચા રસ્તા પર ટેમ્પરરી ડામર પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીને અગાઉ ઉઠાવવામાં આવેલા સ્થાનિક પ્રશ્નો અને સમાચારની અસર તરીકે જોવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ઓરેન્જ સિટી પાસે નાળાની કામગીરીને પગલે બનાવવામાં આવેલા હંગામી કાચા રસ્તા પરથી વાહનો પસાર થતાં ધૂળની ડમરીઓ ઊડતી હતી. જેના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને આસપાસના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ધૂળની સમસ્યાને લઈને વારંવાર રજૂઆતો અને અહેવાલો પ્રકાશિત થયા બાદ આજે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર ટેમ્પરરી ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, દીવા રોડ પર જલારામ મંદિર પાસે બની રહેલા નાળા નજીક પણ હંગામી રસ્તા પરથી ભારે ધૂળ ઊડતી હોવાથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ઓરેન્જ સિટી પાસેની જેમ જલારામ મંદિર પાસેના નાળા નજીક પણ તાત્કાલિક ટેમ્પરરી ડામર પાથરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો