ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં આવેલ વીસી હોલ ખાતે કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ફૂડ સેફટી સલહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાદ્ય સુરક્ષા અને ધોરણનું પાલન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ડ્રગ્સ કંટ્રોલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ આઠ જેટલા એજન્ડા જેવા કે એફબીઓનું લાઈસન્સિંગ અને નોંધણી, અમલીકરણ અને કામગીરીની સમીક્ષા, કાનુની કાર્યવાહી અને દંડ, મોસમી અને તહેવારો દરમ્યાન ખાસ દેખરેખ, પીએમ પોષણ (મધ્યાહન ભોજન) અને આઈસીડીએસ અંતર્ગત ખાદ્ય સુરક્ષા, વીવીઆઈપી કાર્યક્રમો દરમ્યાન ફૂડ સેફટી વ્યવસ્થા, ખોરાક પરીક્ષણ, ગ્રાહક જાગૃતિ અને ફરિયાદ નિવારણ સહીતના મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે નાગરિકોને સુરક્ષિત, ગુણવત્તાયુકત અને સ્વચ્છ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે સંબંધિત વિભાગોને ખાદ્ય સુરક્ષા કાયદાનો અસરકારક અમલ કરવા, નિયમિત તપાસ હાથ ધરવા તથા જનજાગૃતિની પ્રવૃત્તિઓ વધુ વ્યાપક બનાવવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યુ હતુ. બેઠકમાં એ.એસ.પી. અજયકુમાર મીણા, જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત ગામીત, ફુડ સેફટી ઓફિસર સહીત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો