ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ભરૂચ નગરપાલિકાના સંયુકત ઉપક્રમે પારદર્શી પ્રશાસન અને પ્રજાકીય પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે આજે આત્મીય સંસ્કાર ધામ હોલ ખાતે 12 માં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનો પ્રારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા તથા ઉપપ્રમુખ રૂચિતાબેન મોદી વગેરે મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પુર્ણ થવાના અવસરે 17 મી સપ્ટેમ્બરથી 17 મી ઓકટોબર દરમ્યાન યોજાઈ રહેલા સેવાકીય કાર્યક્રમોની શ્રોણી હેઠળ આ 12 મો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો રહ્યો છે. સરકારની જનકલ્યાણકારી યોજનાઓ થકી ગરીબી રેખા નીચે જીવતા લોકોના જીવનસ્તરમાં સતત સુધારો આવ્યો છે. ભરૂચ જિલ્લામાં આશરે 2 લાખ લોકોને વિવિધ યોજનાકીય લાભો પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાવમાં આવ્યો છે જે માટે સમગ્ર વહીવટી તંત્ર કાર્યરત છે. વધુમાં પ્રાસંગિક પ્રવચન આપાત નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ જણાવ્યુ કે, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે નગરપાલિકા સંપુર્ણ રીતે કટિબદ્ધ છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3,4,5,6,7,8 અને 11 ના રહીશો માટે યોજાયેલા આ કેમ્પમાં 18 થી વધુ વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં આવક, જાતિ, ક્રીમીલેયર, ડોમિસાબાઈલ તથા વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્રો, રેશનકાર્ડને લગતી કામગીરી, આધારકાર્ડ સુધારા, પીએમવાય, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, વિધવા અને નિરાધાર વૃદ્ધ સહાય, દિવ્યાંગતા પ્રમાણપત્રો, જમીન માપણી/નોંધ, ડીજીવીએસીએલ લાઈટબીલ કલેકશન અને ઉજાલા યોજના, મિલકત વેરા આકારણી, જન્મ-મરણ દાખલા અને લગ્ન નોંધણી જેવી વિવિધ લક્ષી સેવાઓનો નાગરીકોએ મોટો લાભ લીધો હતો. આ ઉપરાંત નાગરિકો માટે મફત ડાયાબિટીસ-બીપી ચેકઅપ કેમ્પ અને એસ.ટી.સ્ટુડન્ટ પાસની સુવિધા પણ પુરી પાડવામાં આવી હતી.

આ તકે પોષણ માસની પણ ઉજવણી કરવામાં આવી હતી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના 25 વર્ષ પુર્ણ થવાના અવસરે આયોજીત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા મારૂ યોગદાનમાં સ્વચ્છતા માટે શપથ લેવાયા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, શહેરના અગ્રણીઓ, નગરપાલિકા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં અરજદારો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો