ભરૂચ જિલ્લામાં સીએનજી ગેસના સતત વધી રહેલાં ભાવને લઈને રિક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સીએનજીના ભાવ વધારાના કારણે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાના આક્ષેપ સાથે જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા ચાલકો સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એસોસિએશન દ્વારા તેમની પડતર માંગણીઓ અંગે કલેક્ટરને આવેદન આપ્યું હતું.

એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત ગેસનો સીએનજી ભાવ પ્રતિ કિલો 93.76 તેમજ અદાણી સીએનજીનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ગેસના સતત વધી રહેલાં ભાવને કારણે રિક્ષા ચાલકોની આવકનો મોટો હિસ્સો ઈંધણ પાછળ ખર્ચાઈ રહ્યો છે. પરિણામે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જેથી સરકાર સીએનજીના ભાવમાં ઘટાડો કરે અથવા રિક્ષા ચાલકોને સીએનજી ખરીદીમાં સબસિડી આપે તેવી માંગ કરવામાં આવી હતી. તેમણે સાથે સાથે રેપિડો, ઓલા તેમજ ઉબેર જેવી એપ આધારિત ખાનગી વાહન સેવાઓ સામે પણ સવાલો ઉઠાવ્યાં હતાં. નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતી આવી સેવાઓ સામે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. 

આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં જાહેર કરવામાં આવેલાં નવા રિક્ષા ભાડાનો ભરૂચ શહેર અને તાલુકામાં અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રિક્ષા ચાલકોના પ્રશ્નો અને રજૂ કરવામાં આવેલી માંગણીઓનો વહેલી તકે નિકાલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આદોલન કરવાની ચીમકી પણ એસોસિએશને ઉચ્ચારી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો