ભરૂચ અને વાગરા તાલુકામાં ભારે વરસાદે એકતરફ તારાજી વેરી છે ત્યાં ભારે વરસાદને કારણે પૂરના પાણી આવતાં તેમાં ડુબી જવાની બે અલગ અલગ ઘટનામાં ત્રણ લોકોએ પ્રાણ ગુમાવ્યા હોવાની વિગતો સામે આવી છે.

વાગરા તાલુકામાં આવેલાં લીમડી ગામે રહેતાં પાંચ મિત્રો વરસાદી મોસમમાં ફરવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ લીમડી અને અંભેલ ગામની વચ્ચે આવેલી કાંસમાં વરસાદી પાણીનો પ્રવાહ જોવા તેઓ તેમાં નહાવાનો પ્લાન કર્યો હતો. પાંચેય મિત્રો પાણીમાં કુદયા હતાં. જોકે, કાંસમા વરસાદી પાણી પ્રવાહ અતિષય હોવાને કારણે તેઓ ખેંચાવા લાગ્યા હતાં. દરમિયાનમાં ત્રણ મિત્રો યેનકેન પ્રકારે બહાર નિકળી ગયાં હતાં. અન્ય બે ડુબવા લાગ્યાં હતાં. તેમણે બુમરાણ મચાવી આસપાસના લોકોને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત ગામમાં ફોન કરતાં લોકો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ભરૂચ-વાગરા એસડીએમ મનીષા માનાણી, સ્થાનિક મામલતદાર, પંચાયતના સરંપચો, પોલીસ કાફલો સહિત આગેવાનો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. બીજી તરફ ઘટના અંગે ભરૂચ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને કોલ મળતાં પાલિકાના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. ટીમે પહેલાં અંદાજે 21 વર્ષના ઈલ્યાસ પટેલનો મૃતદેહ શોધી કાઢયો હતો. જે બાદ મોડી રાત્રી સુધી તરવૈયાઓએ મહેનત જારી રાખી અંધારામાં પણ ટોર્ચના સહારે અન્ય યુવાનને શોધવાની કવાયત જારી રાખી હતી. મોડી રાત્રે બીજા મિત્ર તબહેજ મુબારક પટેલનો પણ મૃતદેહ મળી આવતાં પોલીસે બન્નેના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ ભરૂચ તાલુકામાં આવેલાં પરિયેજ ગામે સરદાર આવાસ ખાતે રહેતાં કિશન શિવા રાઠોડના પિતા શિવાભાઈ ધૂળાભાઈ રાઠોડ (ઉ.વ.55) ગઈકાલે સાંજના સમયે ઘરેથી કુદરતી હાજતે જવા માટે ગામની ગુજરાતી પ્રાથમિક શાળાની પાછળ ગયાં હતાં.

દરમિયાનમાં શાળા નજીક ખાડીમાં તેમનો પગ લપસી જતાં તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. મોડે સુધી તેઓ ઘરે પરત નહી આવતાં તેમજ વરસાદી માહોલને કારણે પરિવારજનો ચિંતીત થયાં હતાં. દરમિયાનમાં તેઓ પાણીમાં ડુબી ગયાં હોવાનું માલુમ પડયું હતુ.બનાવને પગલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો