ભરૂચ તાલુકાના કારેલ ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા એક પેટ્રોલપંપના કેમ્પસમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાંથી એક વ્યકિતનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ભરૂચ તાલુકા પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃતકની ઓળઅ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નરેન્દ્ર ગણેશ લોઢારી તરીકે થઈ છે. તેઓ બુધવારે પોતાની એમ્બ્યુલન્સ લઈને કારેલા ગામ નજીક આવેલા પેટ્રોલપંપના કેમ્પસમાં આવ્યા હતા. બાદમાં એમ્બ્યુલન્સમાં નરેન્દ્ર લોઢારી બેભાન હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ કરતા તેમનુ મૃત્યુ થયુ હોવાનું જાણવા મળ્યુ હતુ. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. એફએસએલ દ્વારા સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, મૃત્યુનં ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
