જંબુસર તાલુકામાં નર્મદા નહેરની કામગીરી અને જાળવણીને લઈને ફરી એકવાર ગંભીર સ્થિતિ સામે આવી છે. તાલુકાના ઉબેર ગામ નજીકથી પસાર થતી વડોદરા મેઈન કેનાલમાં વહેલી સવારે આશરે ત્રણ વાગ્યાના સુમારે મોટું ગાબડું પડતાં કેનાલનું પાણી આસપાસનાં ખેતરોમાં ઘૂસી ગયું હતું. અચાનક સર્જાયેલી આ ઘટનાના કારણે ખેતરોમાં પાણી ફરી વળતાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. લાખો લીટર પાણી વહી જતાં એક તરફ્ પાણીનો બગાડ થયો છે, તો બીજી તરફ્ ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, ઉબેર ગામ નજીક વડોદરા મેઈન કેનાલમાં વહેલી સવારે અચાનક ભંગાણ સર્જાયું હતું. કેનાલમાં પડેલા મોટા ગાબડામાંથી પાણીનો જોરદાર પ્રવાહ બહાર નીકળ્યો હતો અને આસપાસના ખેતરો તરફ્ ધસી ગયો હતો. વહેલી સવારનો સમય હોવાથી ખેડૂતોને ઘટનાની જાણ થતાં સુધીમાં પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને નુકસાન થવાની સંભાવનાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.ખેડૂતો માટે ખેતી એ આજીવિકાનું મુખ્ય સાધન હોવાથી તૈયાર થઈ રહેલા ઊભા પાકમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ તેમના માટે આર્થિક મુશ્કેલી ઊભી કરી શકે છે. એક તરફ્ ખેતી પાછળ કરવામાં આવેલી મહેનત અને ખર્ચ, તો બીજી તરફે નહેરના પાણીથી સર્જાયેલી આફ્તને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. જો સમયસર ખેતરોમાંથી પાણીનો નિકાલ નહીં થાય તો પાકને વધુ નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નર્મદા નહેર વિભાગ દ્વારા કેનાલમાં પાણીનો પ્રવાહ આગળથી બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
