ભરૂચ શહેરમા જાહેર રસ્તાઓ પર વધતાં જતા ગેરકાયદે દબાણો તેમજ ટ્રાફિકની વિકટ સમસ્યાને ધ્યાનમાં રાખીને આખરે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરના કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવતાં દબાણકર્તાઓમાં ફફડાંટ ફેલાયો છે.
શુક્રવારે વહેલી સવારે વહીવટી તંત્ર તેમજ ભરૂચ નગરપાલિકાની ટીમ દબાણો દૂર કરવા માટે રસ્તા પર ઉતરી હતી. આ કામગીરીમાં પ્રાંત અધિકારી મનિષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી તેમજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યાં હતાં. તેમજ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
