ભરૂચ શહેરના મદીના હોટલ પાસે આવેલી છીપવાડ સ્કુલ, અંજુમન સ્કુલ સહિતની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો છે. શાળાના શરૂ થવાના અને છુટવાના સમયે મહંમદપુરાથી સ્ટેશન તરફ જવાના માર્ગ પર વાહનો પુરપાટ ઝડપે દોડતા હોવાના કારણે વિદ્યાર્થીઓને અકસ્માતનું જોખમ રહેતો હોવાનો આક્ષેપ કરી છીપવાડ અને અંજુમન સ્કુલ પાસે તાત્કાલીક સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરવામાં આવી છે.

આ અંગે અબ્દુલરઝાક યુસુફ કામઠી તથા ભરૂચ શહેરના જાગૃતિ નાગરિકોએ તા.16 સપ્ટેમ્બર ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસર હરીશ અગ્રવાલને લેખિત રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ મદીના હોટલ પાસે ત્રણ જેટલી શાળાઓ આવેલી છે અને તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કુલ શરૂ તથા છૂટવાના સમયે આ મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર વધતી હોવાથી વિદ્યાર્થીઓ માટે જોખમ ઉભુ થાય છે. અગાઉ નાના-મોટા અકસ્માતમાં વિદ્યાર્થીઓને ઈજા થઈ હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. નાગરિકોએ છીપવાડ સ્કુલ અને અંજુમન સ્કુલ પાસે સ્પીડબ્રેકર તાત્કાલીક મુકવાની માંગ કરી છે. સાથે ભારતી ટોકીઝ પાસેની કોન્વેન્ટ સ્કુલ તથા સેન્ટઝેવિયર્સ સ્કુલ પાસે બાળકોની સુરક્ષા માટે સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા હોવાનું જણાવી નગરપાલિકા દ્વારા બંબાખાનાથી વેજલપુર રોડ પર શાળો પાસે છ જેટલા સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા હોવાનો દાખલો પણ રજુઆતમાં આપવામાં આવ્યો છે.