રાજય સરકારના મહત્વકાંક્ષી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ શહેર અને તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું સુચારૂ આયોજન કરાયુ હતુ. ભરૂચ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને ભરૂચ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વિવિધ અરજદારો દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર-કંથારિયા ખાતેની અનિયમિતતા ઉપરાંત જમીન, મકાન, પાણી, દબાણ અને પ્રદુષણ જેવા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો અંગે કુલ 15 જેટલી રજુઆતો કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ અરજદારોના પ્રશ્નોને અત્યંત સંવેદનશીલતા અને ધ્યાનપુર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી સ્થળ પર જ જરૂરી વિગતો મેળવી હતી. અરજદારોના પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ આવે તેમજ નાગરિકોને સમયસર ન્યાય મળે તે હેતુથી તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. આ સાથે જ ભરૂચના સીટી મામલતદાર કચેરી ખાતે નાયબ કલેકટરના અધ્યક્ષસ્થાને શહેરી વિસ્તારનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરી વિસ્તારના અરજદારો દ્વારા રજુ કરાયેલા કુલ 8 પ્રશ્નોને ધ્યાને લઈ તેમની રજુઆતો સાંભળી હતી. નાયબ કલેકટરે સંબંધિત અધિકારીઓને તમામ પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા જરૂરી સુચનાઓ આપી હતી. કાર્યક્રમમાં ભરૂચ તાલુકા મામલતદાર માધવીબેન મિસ્ત્રી, સીટી મામલતદાર નિકુંજ સાવલા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
