01

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં 25 વર્ષ પુર્ણ થવાના અવસરે સમગ્ર રાજયમાં સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને વિકસિત ભારત 2047 તથા 25 વર્ષ સેવા અને સુશાસન કાર્યક્રમના અનુસંધાને સેવા મારૂ યોગદાન અંતર્ગત સ્વચ્છ કચેરી, સ્વચ્છ શહેર પહેલ માટે આજે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.

ઈન્ચાર્જ જિલ્લા કલેકટર યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ અભિયાનમાં નિવાસી અધિક કલેકટર આર.બી.ભોગયતા, કચેરીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

અભિયાન અંતર્ગત કલેકટર કચેરી પરિસર તેમજ ઓફીસોમાં સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત મામલતદાર કચેરીઓ, પ્રાંત કચેરીઓ તેમજ તાલુકા કક્ષાની તમામ મહેસુલી કચેરીઓમાં પણ સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. જેમાં બિનઉપયોગ અને પડતર કમ્પ્યુટર સાધનો તેમજ ઈલેકટ્રોનીક કચરાના નિકાલ અર્થે ઈ-વેસ્ટ નિકાલની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર યોગેશ કાપસેએ નાગરીકોને પણ આ સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાઈ પોતાના ઘર તથા આસપાસના જાહેર વિસ્તારોને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો