જંબુસર શહેરમાં ખુલ્લી ગટરોનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. શહેરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં વધુ એક ગાય ખુલ્લી ગટરમાં ખાબકતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, જંબુસર શહેરમાં અનેક સ્થળોએ ગટરો ખુલ્લી હોવાના કારણે પશુઓ તેમજ રાહદારીઓ માટે સતત અકસ્માતનો ભય રહે છે. અગાઉ પણ અનેક વખત ગાય, શ્વાન સહિતના અબોલ પશુઓ ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફ્ળ રહ્યું હોવાનું લોકોનું કહેવું છે.રહિશોનું કહેવું છે કે ખુલ્લી ગટરોને કારણે ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી મોસમમાં અકસ્માતનું જોખમ વધુ વધી જાય છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
