ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના અછાલીયાના ગામના તળાવની સુધારણામાટે છેલ્લા ત્રણ દાયકા ઉપરાંતના સમયથી સરકારની વિવિધ યોજના અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં જળ વિહોણું રહેતા ગામમાં પાણીની તંગી અનુભવાઇ રહી છે. લોકોની માગ છે કે તંત્ર દ્વારા પાણી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવે.
અછાલીયા ગામના તળાવનું ક્ષેત્રફ્ળ બાર એકર છે. વિસ્તારનું સૌથી મોટુ તળાવ છે. સરકારના સિંચાઇ વિભાગ તથા મનરેગા યોજના કે જે હવે જી-રામજી તરીકે ઓળખાય છે તેવી યોજના દ્વારા રોજગારીની ખાત્રી આપતા કાર્યક્રમ હેઠળ તળાવ દર વર્ષે ઉંડું કરવાની કામગીરી કરવામાં આવે છે. વનવિભાગ દ્વારા વનીકરણ પણ થાય છે પણ પાણી ભરવા માટે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. તળાવની બાજુમાં વરસાદી પાણીની ખાડી આવેલી છે જેમાંથી ચોમાસા દરમ્યાન મોટી માત્રામાં નિર્મલ જળ વહી જાય છે ત્યારે સત્તાવાળાઓ ઈખાડી પર આડબંધ અથવા ચેકડેમ બાંધકામની કામગીરી કરી તળાવમાં પાણી નાંખી જળસંગ્રહ કરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકાર શહેરના તળાવ ને બ્યુટીફીકેશન કરી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર માટે પણ ગ્રાન્ટ આપે તો તળાવ રળિયામણા બની શકે તેમ છે તથા જળસંગ્રહ થી ફયદો થઈ શકે તેમ છે.










