વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પુર્ણ થવાના અવસરે ભરૂચ ખાતે વિકાસ સેવા જ્યોતિ યાત્રાના અને વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજયમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આ સભામાં પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ભરૂચ,અંકલેશ્વર, હાંસોટ, ઝઘડીયા, જંબુસર અને વાગરા વિધાનસભાના નાગરિકો-નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદ્બોધન કર્યુ હતુ. તેમણે સમગ્ર રાષ્ટ્રને વિકસિત ભારત 2047 ના સંકલ્પોને સાકાર કરવા એક જૂથ થવા હાકલ કરી હતી તેમણે વી વિલ ડુ ઈટ નો નારો આપીને સામુહિક પ્રયાસો કરવા અપીલ કરી હતી. આ તકે જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાએ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પુર્ણ કર્યા છે. રાષ્ટ્રસેવાને જીવનનું ધ્યેય બનાવનાર વડાપ્રધાને આજે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ગુંજતુ કર્યુ છે.

સેવાના રંગ, રાષ્ટ્રના રંગ અંતર્ગત જિલ્લાકક્ષાની સામુહિક રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને રૂા.15,000 અને દ્વિતિય ક્રમે વિજેતાઓને રૂા.10,000 અને વ્યકિતગત રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીને રૂા.5000 અને દ્વિતિય ક્રમે વિજેતાને રૂા.3000 નું પ્રોત્સાહક ઈનામ અને પ્રમાણપત્ર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સાથે જ સામાજીક વનીકરણ વિભાગની યોજના અંતર્ગત યોજનાકીય ચેકોનું પણ વિતરણ કરાયુ હતુ.

આ તકે ઉપસ્થિત પ્રભારીમંત્રીએ વર્ષ 2047 સુધીમાં સક્ષમ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ અર્થે વિકસિત ભારત 2047 નો સામુહિક પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ સ્ટેજ કાર્યક્રમ બાદ, રાજયમંત્રી અને જિલ્લા પ્રભારી, ધારાસભ્યો અને અન્ય ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા પવિત્ર જ્યોત પ્રજ્વલિત કરી, જ્વલંત મશાલ સાથે સેવા જ્યોતિ યાત્રાને દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતેથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. દેશભકિતના ગીતો, સાંસ્કૃતિક માહોલ અને ગુંજતા સુત્રોચ્ચાર સાથે નીકળેલી આ યાત્રા ગંતવ્ય સ્થળો સુધી પહોંચી હતી.

દુધધારા ડેરી ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પની જિલ્લા પ્રભારી મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલબા રાજ, ધારાસભ્યો સર્વે રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રિતેશ વસાવા, પુર્વ કેબીનેટ મંત્રી ગણપત વસાવા, પાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા કલેકટર ડો.નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો