ભરૂચ જિલ્લા કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓનલાઈન પોર્ટલના માધ્યમથી રજૂ થયેલી નાગરિકોની અરજીઓ અંગે અરજદારોની રજુઆતો સાંભળવામાં આવી હતી. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો, રસ્તાના સમારકામ, પાણીના નિકાલ, ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવા, નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતના પ્રશ્નો સહિતના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે અરજદારોની રજુઆતોને ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી દરેક પ્રશ્ન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત, પારદર્શક અને નિયમોનુસાર નિરાકરણ લાવવા તેમજ અરજદારોને યોગ્ય ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
