જંબુસર તાલુકાના કનગામ ગામમાં રાઠોડ સમાજ ના સ્મશાનમાં આજે પણ શેડ (બંગલી) જેવી મૂળભૂત સુવિધાનો અભાવ હોવાથી ચોમાસાની મોસમમાં અંતિમ સંસ્કાર દરમિયાન મૃતકના પરિવારજનો અને સમાજના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે અંતિમ વિધિ કરવાની ફરજ પડતા ગ્રામજનોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.

.સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદ શરૂ થતાં જ સ્મશાનમાં કાદવ અને પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં અગ્નિસંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અંતિમ વિદાય જેવી સંવેદનશીલ ક્ષણે પણ જરૂરી સુવિધાના અભાવે પરિવારજનો ને વધારાની મુશ્કેલી ભોગવવી પડે છે, જે અત્યંત દુઃખદ બાબત હોવાનું સમાજ અગ્રણીઓ નુ કહેવું છે. વધુ મા રાઠોડ સમાજના આગેવાનો એ જણાવ્યુ હતુ કે સ્મશાનમાં શેડ બનાવવાની માંગણી અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ હકારાત્મક કાર્યવાહી થઈ નથી. પરિણામે દર ચોમાસે આ જ સમસ્યા યથાવત રહે છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ગ્રામજનોએ સંબંધિત વિભાગ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તેમજ જવાબદાર અધિકારીઓને કનગામ ગામના રાઠોડ સમાજના સ્મશાનમાં તાત્કાલિક ધોરણે બંગલી (શેડ)નું નિર્માણ કરાવવા અપીલ કરી છે.