ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે ગુરૂવારે નૂતન ગ્રામ વિદ્યાપીઠ, થવા દ્વારા આયોજીત શ્રામ સંયોજકની ભરતી પરીક્ષા ઓએમઆર શીટ અને પ્રશ્નપત્રના વિતરણમાં થયેલા વિલંબને કારણે મોકુફ રાખવામાં આવી હતી. ગેરવ્યવસ્થાથી નારાજ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ નોંધાવ્યો હતો.
રાજયના વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક વરસોમાં દેશભરમાં ભરતી અને પ્રવેશ પરીક્ષાઓને લઈનેઅનેક વિવાદો સામે આવ્યા છે.ખાસ કરીને નીટ પેપર લીક કેસ બાદ ઉમેદવારોમાં પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા અંગે સંવેદનશીલતા વધી છે. આવા સમયે પ્રશ્નપત્ર અને ઓએમઆર શીટના વિતરણમાં થતો વિલંબ ઉમેદવારોમાં શંકા ઉભી કરે છે અને પરીક્ષાની પારદર્શિતા અંગે પ્રશ્નો સર્જે છે. ઉમેદવારોએ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, તેઓ કોઈ ચોક્કસ આક્ષેપ કરતા નથી પરંતુ પરીક્ષા આયોજનમાં પારદર્શિતા અને સમયપાલન જળવાય તે અત્યંત જરૂરી છે. તેમણે માંગ કરી હતી કે, ભવિષ્યમાં આવી ગેરવ્યવસ્થા ટાળવા માટે પ્રશ્નપત્રની તૈયારી, વિતરણ અને પરીક્ષા સંચાલનની સમગ્ર પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવવામાં આવે. બીજી તરફ પરીક્ષા સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી કે, પ્રશ્નપત્રનું પ્રિન્ટીંગ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ ઈન-હાઉસ કરવામાં આવ્યુ હતુ અને આ પરીક્ષામાં પેપર લીક થયું હોવાના કોઈ પુરાવા કે ઘટના સામે આવી નથી. ઉમેદવારો સહમન ન થતાં પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંચાલકોએ નવી તારીખ જાહેર કરીને નવા પ્રશ્નપત્રો સાથે ફરી પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજન, પારદર્શિતા અને ઉમેદવારોના વિશ્વાસ જાળવવાની જરૂરિયાત પર ભાર મુકયો છે. છેલ્લા સમયમાં નીટ સહિતની પરીક્ષાઓને લઈ ઉભા થયેલા વિવાદો બાદ ઉમેદવારો પરીક્ષા પ્રક્રિયા અંગે વધુ સતર્ક બન્યા છે, જેના કારણે નાની ગેરવ્યવસ્થા પણ મોટા પ્રશ્નો ઉભા કરી રહી છે.
