ઝઘડિયા ચાર રસ્તા ઉપર સોમવાર સવારે માતેલા સાંઢની જેમ ધસી આવેલા હાઇવા ટ્રકે કચડી નાખતા એક્ટિવા મોપેડ પર સવાર પિતા-પુત્રીનાં સ્થળ ઉપર કમકમાટી ભર્યુ મોત થયુ હતું. રાજપીપલા થી અંકલેશ્વર તરફ્ જતા એક હાઇવા ટ્રક ના ચાલકે ઝઘડિયા ચોકડી ઉપર આગળ ચાલતી એક એક્ટિવા ને ટક્કર મારી હતી. જેમાં નર્મદા જિલ્લાના રાજપીપલા તાલુકાના સિસોદરા ગામના મેહુલભાઈ પ્રફુલભાઈ પટેલ (ઉં.વ. 48) અને તેમની 18 વર્ષીય પુત્રી સાયના તા.23 ના રોજ એક્ટિવા મોપેડ પર સવાર થઇ અંકલેશ્વર તરફ્ જઈ રહ્યાં હતાં. દરમિયાન સવારના અગિયાર વાગ્યાના અરસામાં ઝઘડિયાની ચોકડી ઉપર હાઇવા ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફ્લતભરી રીતે હંકારી આગળ ચાલતી એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર પિતા-પુત્રી રસ્તા પર પટકાયા હતા. તેઓ ટ્રકના વ્હિલ નીચે આવી જતા બન્નેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મેહુલ પટેલ તેમજ તેમની પુત્રી સાઇની પટેલ બન્નેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતાં. એક જ પરિવારના બે સભ્યોનાં મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગે મૃતક મેહુલભાઇના ભાઇ સંતોષભાઈ પ્રફુલભાઈ પટેલ રહે.ગામ સિસોદરા, તા.રાજપીપલા, જિ.નર્મદા ની ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
