ભરૂચ શહેરના કસક વિસ્તારમાં નર્મદા નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા ચારદ સાહિબ ખાતે શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવજીની જન્મજયંતિની હર્ષોલ્લાસ અને શ્રાદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શીખ સમાજના ભક્તો અને ભાવિકોએ ગુરુદ્વારા ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રચલિત માન્યતા અનુસાર ગુરુનાનક દેવજી ગુરુવાણીના પ્રચાર અને માનવતાનો સંદેશ ફેલાવવા માટેની યાત્રા દરમ્યાન ભરૂચ પધાર્યા હતા તે સમયે તેમણે ચાદર પર બિરાજમાન થઈ નર્મદા નદી પાર કરી હોવાની લોકવાયકા છે. આ ઐતિહાસીક પ્રસંગની યાદમાં નર્મદા નદીના કિનારે ગુરુદ્વારાનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ જે આજે ચાદર સાહિબ તરીકે ઓળખાય છે. ગુરુનાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે ગુરુદ્વારા ખાતે ગુરુવાણી, શબદ કીર્તન, પ્રાર્થના અને લંગર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ સમાજસેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક ચિકિત્સા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પવિત્ર પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પુર્વ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના રાજકીય અને સામાજીક અગ્રણીઓએ ગુરુદ્વારા ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને ગુરુનાનક દેવજીના માનવતા, સમાનતા, સેવા અને ભાઈચારાના સંદેશને સૌએ યાદ કરી જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.
