ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે આવેલા નવા તવરા ગામમાં વહાણવટી સિકોતર માતાજી, હનુમાનજી દાદા અને ગણપતિ બાપાના નવનિર્મિત મંદિર ખાતે શરદ પૂર્ણિમાના પાવન અવસરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગના ભાગરૂપે આજે જૂના તવરા ગામના શ્રી પંચદૈવી મંદિરથી નવા તવરા સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જૂના તવરા સ્થિત શ્રી પંચદૈવી મંદિરેથી પ્રસ્થાન કરેલી શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નવા તવરા ગામમાં પ્રવેશી હતી. શોભાયાત્રામાં માતાજી અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં જૂના તવરા અને નવા તવરા ગામના ગ્રામજનો જોડાયા હતા. સાંજે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. નવા તવરા ગામે નર્મદા નદીના કિનારે નવનિર્મિત મંદિરમાં આવતીકાલે શરદ પૂર્ણિમાના દિવસે સવારે 9 વાગ્યે વહાણવટી સિકોતર માતાજી, હનુમાનજી દાદા અને ગણપતિ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠાનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બંને ગામોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા આ ધાર્મિક ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ પરંપરા, આસ્થા અને સામૂહિક એકતાનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે.
