મનાડ ગામ ખાતે ભાડભૂત બેરેજ યોજનાની સાઇટ નજીક નર્મદા નદી કિનારે ગેરકાયદે માટી ખોદકામ, માટી ચોરી અને CRZ નિયમોના ભંગ અંગે ગંભીર આક્ષેપ સાથે જિલ્લા તંત્ર સમક્ષ બીજી ફરીયાદ કરવામાં આવી છે. કમલેશ એસ. મઢીવાલાએ કલેક્ટર ભરૂચ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને ભુસ્તરશાસ્ત્ર્રી કચેરીને રજૂઆત કરી સમગ્ર મામલે ફેજદારી કાર્યવાહી અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
રજૂઆત મુજબ મનાડ ગામની સીમમાં ભાડભૂત બેરેજનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન બેરેજની પશ્ચિમ દિશામાં નર્મદા નદી કિનારે આવેલા CRZ પ્રતિબંધિત વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં માટીનું ખોદકામ કરી તેનો ઉપયોગ ભાડભૂત બેરેજ યોજના તેમજ દહેગામથી કેસરોલ સુધીના ભરૂચ-દહેજ હાઇવેના કામમાં કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરીયાદમાં જણાવાયું છે કે મનાડ ગામના સર્વે નં. 257, 263/1 અને 293/2 સહિતની જમીનોમાંથી માટી કાઢવામાં આવી છે. જેમાં ગૌચરની જમીન, તલાવડી વિસ્તાર અને નદી-નાળા સંબંધિત જમીનનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે. ફરીયાદીનો આક્ષેપ છે કે આ મામલે અગાઉ તા. 08/06/2026ના રોજ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સમગ્ર મામલાને દબાવવાના પ્રયાસો શરૂ થયા છે.










