1

નવરાત્રીના પર્વમાં એક તરફ મોંઘા કોમર્શિયલ ગરબાના પાસ અને ભવ્ય આયોજનોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીમાં પરંપરાગત શેરી ગરબાની અનોખી રંગત જોવા મળી રહી છે. વર્ષોથી બુસા ઉત્સવ મંડળ દ્વારા અહીં નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેમાં પરિવારના સભ્યો સાથે ઘરઆંગણે જ માતાજીની આરાધના કરી ગરબે ઘુમવાની પરંપરા જીવંત રાખવામાં આવી છે.

બુસા સોસાયટીના શેરી ગરબાની વિશેષતા એ છે કે અહીં નવરાત્રી માત્ર ગરબા રમવા પુરતી સિમીત નથી પરંતુ પરિવાર, સંસ્કાર અને સામુહિક એકતાનો ઉત્સવ બની છે. આપણી દિકરી, આપણા આંગણે, આપણા પરિવાર સાથે ની ભાવનાને સાકાર કરતા સોસાયટીના રહીશો માતાજીની આરાધના સાથે પરંપરાગત ગરબાની રમઝટ બોલાવે છે. મોંઘવારીના સમયમાં ખર્ચાળ પાસની ઝંઝટ વિના પોતાના જ આંગણે પરિવાર સાથે સુરક્ષતિ વાતાવરણમાં નવરાત્રીની ઉજવણી કરવાનો આ પ્રયાસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બુસા સોસાયટીના ગરબાની સૌથી મોટી વિશેષતા અહીં જોવા મળતી સામાજીક એકતા છે. કેરળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત વિવિધ રાજ્યોમાંથી આવીને વસેલા પરિવારો એક જ આંગણે એકસાથે ગરબે ધૂમે છે. 

અલગ અલગ ભાષા, રહેણીકરણી અને સંસ્કૃતિ ધરાવતા પરિવારો માતાજીની ભક્તિના રંગે રંગાઈને પ્રાંતના ભેદભાવ ભૂલી એકતાનો સંદેશ આપી રહ્યા છે. આમ શેરી ગરબા માત્ર ધાર્મિક ઉત્સવ નહી પરંતુ વિવિધતામાં એકતાનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. બુસા ઉત્સવ મંડળ દ્વારા ગરબામાં ભાગ લેતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવાની સાથે ગરબાની રમઝટ નિહાળતા પ્રેક્ષકોને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. શ્રેષ્ઠ પ્રેક્ષકોને દરરોજ ઈનામ આપીને તેમની ઉપસ્થિતિ અને ઉત્સાહને બિરદાવવામાં આવે છે. આ અનોખી પહેલના કારણે ગરબા રમનારાઓની સાથે ગરબા નિહાળનારાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો