જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ નગરની હાજી કન્યા શાળા તેમજ કાવા ભાગોળ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને શાળામાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમની મુલાકાત દરમિયાન શાળાના શૈક્ષણિક વાતાવરણ, વિદ્યાર્થીઓના અભ્યાસની સ્થિતિ તેમજ વિવિધ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
ધારાસભ્ય ડી.કે. સ્વામીએ શાળાના આચાર્યો અને શિક્ષકમિત્રો સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, નિયમિત હાજરી અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષકોને વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે સંસ્કાર અને નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો. મુલાકાત દરમિયાન ધારાસભ્યે શાળાઓમાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓને આધુનિક અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો અસરકારક લાભ પહોંચે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે બંને શાળાના આચાર્યો, શિક્ષકગણ તેમજ અન્ય સ્ટાફ્ ઉપસ્થિત રહ્યા હતા.
