ભરૂચ : દહેજ પાસે આવેલાં જાગેશ્વરગામના રહિશોએ વર્ષ 1996-97માં ઔદ્યોગિક વિકાસ માટે પોતાની જમીનો સંપાદનમાં આપી હતી. જે તે સમયે ખેડૂતોને પ્રતિ એકર આશરે 56 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું. ઉપરાંત જમીન ગુમાવનારાઓને કાયમી રોજગાર તેમજ પ્રાથમિક સુવિધાઓ આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. તેમની સંપાદિત થયેલી જમીન પર પહેલાં એબીજી શિપયાર્ડ કંપની ચાલી હતી. જેમાં કેટલાંક જમીન ગુમાવનારા પરિવારોને રોજગારી મળી હતી. જોકે, થોડા સમય બાદ કંપની બંધ થઈ જતાં જમીન ગુમાવનારા લોકોની આજીવિકા પણ બંધ થઈ ગઈ હતી. બેરોજગાર થયેલાં પરિવારો તેમને રોજગારી મળી તે માટે જીઆઈડીસી સહિતનાઓને અનેક રજૂઆતો કરી હતી. હાલમાં આ બંધ કંપનીનું સંચાલન અન્ય કંપની કરી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે જીઆઈડીસી તેમજ જીપીસીબીની હાજરીમાં કંપની સાથે બેઠકો યોજાઈ હતી. તેમ છતાં હજુ સુધી રોજગાર અંગે કોઈ નિર્ણય ન લેવાતાં હવે કંપનીના ગેટ સામે ધરણાં શરૂ કરવામાં આવ્યા છે.
