ઝઘડિયા : ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઈલિંગ માટે એ-4 સાઈઝના પેપર તેમજ નિર્ધારિત ફેન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ઝઘડિયા તાલુકા સહિત રાજ્યભરના બાર એસોસિએશ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. નવા નિયમોના વિરોધમાં ઝઘડિયા તાલુકાના કોર્ટ બાર એસોસિએશન ના વકીલોએ શુક્રવારે કોર્ટની કાર્યવાહીથી અળગા રહી હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો.વિરોધના ભાગરૂપે ઝઘડિયા તાલુકા કોર્ટ બાર એસોસિએશન ના સભ્યો કોર્ટ સંકુલની બહાર એકત્રિત થયા હતા. તેમણે હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઝઘડિયા બાર એસોસિયનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરીયા, ઉપપ્રમુખ સ્મિત વસાવા, સેક્રેટરી અમિત ચૌહાણ, દિલિપસિંહ નકુમ, રોહીત શાહ, સમસુદ્દીન શેખ, ગીતાબેન શાહ, નયનાબેન પટેલ, સહિત બાર એસોસિએશનના કમિટી સભ્યો તથા વકીલ સભ્યોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોર્ટ કાર્યવાહી દરમિયાન જ ચાલુ કાર્યવાહીએ અરજી આપવી હોય તો વકીલે તાત્કાલિક તે અરજી આપવી અશક્ય છે! હાઇકોર્ટ ના પરિપત્ર મુજબની અરજી આપવા માટે સમય જોઈએ અથવા મુદત જોઈએ અને આ તમામ વધારાનો ખર્ચો વકીલો તથા તેમના અસીલો પર આવશે જેથી જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી કોર્ટની કામગીરીથી અળગા રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો