વાલિયાના વટારિયા ખાતે આવેલી ગણેશ સુગર ફેક્ટરીની જૂની સુગર કોલોનીમાં રાત્રીના સમયે તસ્કરોએ આતંક મચાવ્યો હતો. એક જ રાત્રીમાં ચાર મકાનોના તાળા તોડી 1.88 લાખની ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જૂની સુગર કોલોનીમાં રહેતાં વિજયસિંહ સિસોદિયા અને તેમના પત્ની સંબંધીના ઘરે ગયા હતા. બીજા દિવસે તેઓ સવારે ઘરે આવતાં તેમના ઘરના દરવાજાને બહારથી સ્ટોપર મારી બંધ કરેલું જણાતાં તેમણે ઘરમાં જઈ તપાસ કરતાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. તેમણે તપાસ કરતાં તેમના ઘરમાંથી સોના 5 તોલાના દાગીના તેમજ ચાંદીના 10 ગ્રામના દાગીના તથા 20 હજાર રોકડા મળી કુલ 1.88 લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. દરમિયાનમાં તપાસ કરતાં તેમના આસપાસમાં રહેતાં નરેન્દ્રસિંહ ગણપતસિંહ ઠાકોર, કૈયુમ નુરમહંમદ અંસારી તેમજ શીવરામ સુખદેવ ગાયગોલના ઘરના નકુચા પણ રાત્રીના સમયે તસ્કરોએ તોડયાં હોવાની વિગતો મળી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.










