ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને નર્મદા નદી પર આવેલા હોડી ઘાટોની વર્તમાન સ્થિતિ અને સલામતી વ્યવસ્થાઓ અંગે સંબંધીત એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં આવેલા તમામ હોડી ઘાટોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. હોડી મારફતે અવરજવર કરતા મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને હોડીમાં મુસાફરી દરમ્યાન પ્રોપર લાઈવ જેકેટ સહિત જરૂરી સલામતીના સાધનો ઉપલબ્ધ રાખવા તેમજ સલામતીના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે અંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યુ હતુ. બેઠકમાં વમલેશ્વર, લખીગામ, લુવારા હોડીઘાટની હરાજી માટેની શરતોમાં જરૂરી ફેરફારો અંગે, હરાજીની પ્રક્રિયા દરમ્યાન આ સુધારેલી શરતોને ધ્યાને રાખવા પણ રચનાત્મક સુચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
