જિલ્લા કલેકટર ભરૂચના માર્ગદર્શન અને ભૂસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ, ભરૂચની તપાસ ટીમ દ્વારા તા.23મી નવેમ્બર 2026 અને 24 નવેમ્બર 2026 દરમ્યાન ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખનિજના બિનઅધિકૃત ખનન અને વહન અટકાવવા માટે સઘન આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જયાં ભરૂચ-દહેજ રોડ, વડોદરા-ભરૂચ હાઈવે તેમજ તરસાલી ગામેથી પસાર થતા નર્મદા નદીકાંઠા વિસ્તારમાં હાથ ધરાયેલી આકસ્મિક તપાસ દરમ્યાન કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા વાહન નં.ડીડી01 એસ9639 અને જીજે16 એવી7723 ઝડપાયા હતા. જેમાં સાદી માટી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા વાહન નં.જીજે 16 એવાય 7266 ને પકડી પાડવામાં આવ્યુ હતુ. તરસાલી ગામે નર્મદા નદીકાંઠા વિસ્તારમાં સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન કરતી 03 યાંત્રિક નાવડી અને 01 એક્સેવેટર મશીન મળી આવ્યા હતા તેમજ સ્થળ પર રહેલા સાદી રેતી ખનિજના ઢગલાની માપણી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમ્યાન કુલ 3 વાહનો, 3 યાંત્રિક નાવડી અને 1 એક્સેવેટર મશીન સીઝ કરીને કુલ રૂા.1.80 કરોડનો મુદમાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા મુદ્દામાલ સામે નિયમોનુસાર દંડકીય કાર્યવાહી હાલ પ્રગતિ હેઠળ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો