06
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના જનસેવા યાત્રા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ તેમજ નર્મદા દ્વારા ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને એસ.વી.એમ.આઈ.ટી.કોલેજના પટાંગણ ખાતે મંગળવારે કલસ્ટર કક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યુ હતુ. આ તકે યુવાઓને પ્રોત્સાહિત કરવાની સાથે તેમની સાથે પ્રત્યક્ષ સંવાદ પણ સાધ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યુ હતુકે, વિવિધ કંપનીઓને ભરૂચ અને નર્મદા જિલ્લાના આઈટીઆઈ તથા અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકોની જરૂરિયાત હતી. આ તકો આજે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા પુરી પાડવામાં આવી છે.
ભરતી મેળામાં ધો.10 થી લઈને ગ્રેજયુએટ, બી.ઈ.(મિકેનિકલ, ઈલેકટ્રીકલ), એમ.કોમ. અને એમ.બી.એ. (માર્કેટીંગ) જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી તેમજ બિનઅનુભવી મહિલા અને પુરૂષ ઉમેદવારોએ ભાગ લીધો હતો. ભરતી મેળામાં વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તકો પુરી પાડવાના હેતુથી 60 થી વધુ કંપનીઓ દ્વારા સીધી ભરતી માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ રોજગાર ભરતી મેળામાં 2400 થી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી હતી. ભરતી મેળામાં જિલ્લા રોજગાર કચેરીના અધિકારી સંજયભાઈ ગોહિલ અને કોલેજના આચાર્ય સહિત અન્ય મહાનુભાવો તેમજ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો