ભરૂચ શહેર જિલ્લામાં દસ દિવસ સુધી ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે દશામાની આરાધના કર્યા બાદ ભરૂચમાં માતાજીની પ્રતિમાનું ભાવભેર વિસર્જન કરાયું હતું. ઝાડેશ્વર તેમજ કુકરવાડા ખાતે નર્મદા ઘાટ ખાતે જય દશામાના નાદ સાથે ભક્તોએ માતાજીને ભાવભિની વિદાય આપી હતી. ઝાડેશ્વર નર્મદા ઘાટ ખાતે ગામ પંચાયત અને વીએનપી ફાઉન્ડેશનના સંયુક્ત પણે દશામાની પ્રતિમાનું વિસર્જનની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં સવારે પાંચ વાગ્યા સુધીમાં અંદાજે 5 હજારથી વધુ પ્રતિમાનું નર્મદામાં વિસર્જન કરાયું હતું.
શહેર જિલ્લામાં ગતવર્ષની જેમ આ વર્ષે પણ ભાવિક ભક્તો દ્વારા દશામાંની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. દસ દિવસના વ્રતની પૂર્ણાહૂતિ સાથે દશામાંની પ્રતિમાઓને રંગેચંગે વિદાય અપાઈ હતી. ભરૂચ જિલ્લામાં ઘરે ઘરે શ્રધ્ધાળુઓએ રાત્રી જાગરણ કરીને ઉજવણી કરી હતી. જયારે શનિવારે વહેલી સવારે ટ્રેક્ટર, ટેમ્પા જેવા વાહનો સાથે નદી, તળાવ,નહેર ખાતે વાજતે ગાજતે દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આ સમયે જય દશામાં નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પરિવાર સાથે આવેલા નાના-મોટા યુવાનોએ માતાજીની આરતી ઉતારીને વિસર્જન કરાયું હતું.
