ભરૂચ નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગુરુવારે શહેરમાં વિશેષ સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. રેલવે સ્ટેશનથી ગોદી રોડ સુધી યોજાયેલી આ સફાઈ ઝૂંબેશમાં નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ સહિતના આગેવાનો તેમજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જોડાયાં હતાં.
સફાઈ ઝૂંબેશ દરમિયાન માર્ગો અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કરી કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ સાથે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 25 વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયો હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમ દરમિયાન આગેવાનો તેમજ સફાઈ કર્મચારીઓની ઉપસ્થિતીમાં કચરો ન ફેલાવવા સંદેશ આપવામાં આવ્યો હતો.
