ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ ઐતિહાસિક ધરોહર સમાન મકાનમાં થયેલી ચોરીનો હાંસોટ પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. વર્ષ 2025માં ઇલાવ ગામના આશરે 100 વર્ષ જૂના 'પારસી પેલેસ'ને નિશાન બનાવનાર ચાર રીઢા તસ્કરોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. શ્રમિકના વેશમાં છુપાયેલા હતા ગુનેગારો પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, પકડાયેલા ચારેય આરોપીઓ વ્યવસાયે શેરડી કાપણીનું કામ કરતા શ્રમિકો છે.

100 વર્ષ જુના પેલેસમાં થઇ હતી ચોરી

આ ટોળકીની ગુના કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. તેઓ શેરડી કાપણી માટે જે ગામમાં પોતાનો પડાવ નાખતા હતા, તે ગામમાં દિવસ દરમિયાન મકાનોની રેકી કરતા હતા. જે મકાન બંધ હોય કે જ્યાં સુરક્ષાનો અભાવ હોય, તેને રાત્રિના સમયે નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હતા. રૂ. 1.36 લાખની મતાની કરી હતી ચોરી વર્ષ 2025માં જ્યારે આ ટોળકીએ ઇલાવ ગામના 100 વર્ષ જૂના પારસી પેલેસમાં પ્રવેશ કર્યો, ત્યારે ત્યાંથી પ્રાચીન અને કિંમતી ચાંદીના વાસણો સહિત કુલ રૂ. 1.36 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.

રૂ.1.36 લાખના મુદ્દામાલની ચોરી

પેલેસની ઐતિહાસિક કિંમતને જોતા આ ચોરીનો કેસ પોલીસ માટે પડકારરૂપ હતો. પોલીસ કાર્યવાહી અને ધરપકડ હાંસોટ પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ શ્રમિકોની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી હતી. આખરે ઠોસ પુરાવાઓના આધારે પોલીસે ચારેય શખસોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછમાં અન્ય વિસ્તારમાં કરેલી ચોરીઓના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે. હાલ પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો