ક્રેડાઈ ભરૂચની સાપુતારા ખાતે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં વર્ષ 2024-26 કાર્યકારિણીને વિધીવત વિસર્જન કરીને નવી કાર્યકારિણીની રચના કરવામાં આવી હતી. સભાએ નિશિધ અગ્રવાલને વર્ષ 2026થી 2028 સુધીના કાર્યકાળ માટે ફરી સર્વાનુમતે પ્રમુખ તરીકે અને રોહિત ચદ્દરવાલાને ચેરમેન તરીકે પસંદ કર્યાં હતાં.

નિશિધ અગ્રવાલે પોતાના સંબોધનમાં ભરૂચના સર્વાંગી વિકાસને આગામી બે વર્ષનો મુખ્ય એજન્ડા જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાની તવરા, ઝાડેશ્વર, ઉમરાજ તેમજ નંદેલાવ સહિતની તમામ 11 ટાઉન પ્લાનિંગ(ટીપી) યોજનાઓને રાજ્ય સરકારમાંથી ઝડપથી મંજૂરી મળે તે માટે ક્રેડાઈ ભરૂચ સક્રિય ભુમિકા ભજવશે. ટીપી યોજનાઓના ઝડપી અમલીકરણથી શહેરમાં નવા માર્ગો, આધુનિક સુવિધાઓ, સુવ્યવસ્થિત શહેર વિકાસ અને રોકાણ માટે અનુકૂળ માહોલ ઉભો થશે. ભરૂચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે જિલ્લા વહિવટી તંત્ર , સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તેમજ સરકાર સાથે સંકલન કરીને આયોજનબદ્ધ કામગીરી હાથ ધરાશે. રોહિત ચદ્દરવાલાની ચેરમેન તેમજ નિશિધ અગ્રવાલની પ્રમુખ તરીકે વરણી કરાયાં બાદ નવી કમિટીમાં ઉપપ્રમુખ તરીકે કિરણ મજમુદાર, ખાજાનચી તરીકે અલ્પેશ તોલાટ, સંયુક્ત સચિવ તરીકે કુણાલસિંહ દાયમા, સંયુક્ત ખજાનચી તરીકે નિરવ શાહ, તેમજ પિયુશ શાહ, મનિષ પટેલ, બાબુભાઈ પટેલ, કૌશિક સોલંકી, જિમ્મી જેમ્સ, ભાવેશ દેસાઈ અલ્પેશ હરિયાણીની કમિટી સભ્ય પસંદ કરાયાં હતાં.