ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક મોલાસીસને સ્ટોર કરી તેનું ટ્રેડિંગ કરતી કિંજલ કેમિકલ્સ નામની કંપનીમાં ગંભીર ઘટના બની હતી. કંપનીમાં આવેલ એક ટ્રકે મોલાસીસ ભરેલા ટેન્કના ઓવરફ્લો પાઇપને ટક્કર મારતા ઘડાકા અને પ્રેશરથી કંપની વિસ્તારમાં મોલાસીસ ફેલાયું હતું. ઉપરાંત કંપનીએ ગેરકાયદે બનાવેલી કાંસ મારફ્તે નજીકના ખેતરોમાં પણ મોલાસીસ પ્રસરી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મંગળવારે મોડી સાંજના સમયે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલી કિંજલ કેમિકલ્સ કંપનીમાં પ્રેશર સાથે મોલાસીસ કેમિકલ વછૂટયું હતું. ટ્રકની ટક્કરથી ઓવરફ્લો પાઇપ ફાટી જતા ઘડાકા સાથે મોલાસીસ કંપની સહિત નજીકના ખેતરોમાં પહોંચ્યું હતું.

રાણીપુરા ગામના ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે કે કિંજલ કેમિકલ્સ કંપનીએ પ્રદુષિત પાણીના નિકાલ માટે ગેરકાયદે કાંસ બનાવી છે અને અવાર નવાર કંપની દ્વારા આ કાંસમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા નજીકના ખેતરોમાં પણ આ પ્રદુષિત પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચે છે. ઉપરાંત કેમિકલ યુક્ત પાણી થી જમીનની ફ્ળદ્રુપતા પણ ઘટી રહી છે. ગઇ રોજ બનેલી આ ઘટનામાં ખેડૂતોએ જીપીસીબી ને પણ રજુઆત કરી હતી. પરંતુ હજુ કોઇ કાર્યવાહી નથી થઇ. જો આ સમસ્યાનો હલ નહિ થાય તો ખેડૂતો દ્વારા કંપનીને તાળાબંધી કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો