ભરૂચ શહેરના શ્રાવણ ચોકડીથી ગેઈલ સુધીના બિસ્માર રસ્તાથી સ્થાનિકો તોબા પોકારી ઉઠયા છે. હજી ચોમાસુ ચાલુ થયું છે ત્યાં વિસ્તારના લોકોને જાણે લોકડાઉનની જેમ ફસાઈ ગયાં હોય તેવો અનુભવ થઈ રહ્યો હોવાનો રોષ સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે. વહિવટી તંત્ર દ્વારા તાકિદે એક્શનમાં આવી કામગીરી નહીં કરાય તો આગામી દિવસોમાં આંદોલન થાય તેવા આસાર સ્થાનિકોએ આપ્યાં છે. હાલની સ્થિતી જોતાં ખરાબ રસ્તાને કારણે અકસ્માતે દ્વિચક્રીય વાહન કે ચાલતી વ્યક્તિ સ્લીપ થઈ જાય અને ગંભીર ઈજાઓને કારણે તેનું મોત થાય તો તંત્ર એક્શનમાં આવશે તેવો રોષ તેમને વ્યક્ત કર્યો હતો.
ભરૂચ શહેરના શ્રાવણ ચોકડીથી ગેઈલ સુધી 8.31 કરોડના ખર્ચે બની રહેલાં રસ્તાનું કામ ગોકળગાય કરતાં પણ ધીમી ગતીએ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી આ વિસ્તારમાં નવો રસ્તો બનાવવા માટેની કામગીરી માટે રસ્તો ખોદી નખાયા બાદ હવે કામગીરી અતિષય ધીમી ચાલી રહી હોવાને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં વિસ્તારમાં રહેતાં લોકોને ઘરમાંથી બહાર નિકળવું જાણે મુશ્કેલ બની ગયું હતું. લોકો જાણે અનકહ્યાં લોકડાઉનમાં હોય તેમ તેમના સોસાયટી વિસ્તારમાં ફસાઈ ગયાં હોવાનું તેમણે જણાવ્યું હતું. ગત ચોમાસા બાદ 8થી 9 મહિનાનો લાંબો સમય વિતી ગયો હોવા છતાં માત્ર એક કિમીનો રસ્તો હજી પુર્ણ થઈ શક્યો નથી. આખા રોડ પર ખાડાઓ અને કાદવ-કિચડનું સામ્રાજ્ય જામ્યું છે.
