ભરૂચ : મોંઘવારીનો વધુ એક ઝટકો વાહન ચાલકોને લાગ્યો છે. ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં કીલોદીઠ રૂા.3.74 નો વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ સીએનજીનો નવો ભાવ રૂા.88.75 પ્રતિકિલો થયો છે. અગાઉ 20 જુલાઈએ સીએનજીના ભાવમાં રૂા.2 નો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે માત્ર 28 દિવસના ટૂંકા ગાળામાં ફરી એકવાર સીએનજી મોંઘુ થયુ છે. ગુજરાત ગેસની સત્તાવાર વેબસાઈટ પર સીએનજીના ભાવ તપાસવાની સુવિધા છે.

ચાલુ વર્ષ દરમ્યાન ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં ત્રણ વખત વધારો ઝીંકયો છે. 15 મે ના રોજ રૂા.2.75 નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 20 જુલાઈએ રૂા.2 અને હવે 17 ઓગષ્ટે વધુ રૂા.3.74 નો વધારો કરવામાં આવ્યો છે. આમ આ વરસે અત્યાર સુધીમાં ભાવ વધારામાં સીએનજી કુલ રૂા.8.49 પ્રતિકલો મોંઘુ થયુ છે. જો પાંચ વર્ષ પહેલાના ભાવ પર નજર કરીએ તો ઓકટોબર 2021 માં ગુજરાત ગેસનો સીએનજી ભાવ રૂા.58.10 પ્રતિકિલો હતો ત્યારથી તબક્કાવાર ભાવ વધારાના પગલે સીએનજીનો ભાવ હવે રૂા.88.75 સુધી પહોંચી ગયો છે. એટલે પાંચ વર્ષના સમયગાળામાં કિલોદીઠ રૂા.30.65 નો વધારો એટલે કે આશરે 52.8 ટકા ભાવવધારો થયો છે.

સીએનજીના ભાવમાં સતત વધારાની સીધી અસર ઓટોરીક્ષા, ટેક્સી અને સીએનજી કારચાલકોના માસિક ઈંધણ ખર્ચ પર પડશે. છેલ્લા કેટલાક વરસોમાં સીએનજીને પેટ્રોલ-ડીઝલની સરખામણીએ સસ્તા વિકલ્પ તરીકે જોતા વાહનચાલકોની સંખ્યા વધી છે ત્યારે વારંવાર થતા ભાવ વધારાને કારણે હવે સીએનજી ના આર્થિક ફાયદા અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો