ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં ગર્દભના કારણે યુવાનનું મોત થયાની ઘટના બાદ શહેરના મુખ્ય માર્ગ પર રખડતાં ઢોર -ગર્દભ પકડવાની કવાયત શરૂ કરી છે. પહેલાં દિવસે પાલિકાએ કુલ 19 ગદર્ભ પકડી પાડયાં હતાં. જે બાદ ગઈકાલે પણ નગરપાલિકાએ શહેરમાં રોડ પર રખડતાં 7 પશુઓ પકડી તેમને પાંજરાપોળમાં મોકલી અપાયાં હતાં. જોકે, આ વખતે પશુમાલિકો સામે ભરૂચ પાલિકા કડક પગલાં ભરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી ગયો છે. તેમાંય ચોમાસુ શરૂ થતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરવા સાથે જમીન ભીનિ થઈ જવાને કારણે ગાય-આખલાં રોડ પર અડિંગો જમાવી રહ્યાં છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. બીજી તરફ રખડતાં ઢોરોના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ભરૂચ નગરપાલિકાએ રખડતાં પશુઓ પકડવા માટેની કવાયત હાથ ધરી છે. શહેરમાં રખડતાં ગર્દભને પકડવા આસાન હોવાથી પાલિકાએ એક જ રાત્રીમાં 19 ગર્દભ પકડી લીધાં હતાં. જોકે, તેને 48 કલાકનો સમય વિતી ગયો હોવા છતાં હજી એક પણ માલિક તેના ગર્દભને છોડાવવા સામે આવ્યો નથી.બીજી તરફ ગત રાત્રીના સમયે નગરપાલિકાએ ખાસ ટીમ બોલાવી રખડતી ગાય-આખલા પકડવાની કવાયત હાથ ધરી હતી. ગાય કે આખલા પકડવામાં ભારે મુશ્કેલ ભર્યું હોય છે. ત્યારે પાંચ-સાત માણસો એકત્ર થઈ ભારે જહેમતથી પશુઓને ડબામાં પુરતાં હોય છે. રાત્રીભર મહેનત કર્યાં બાદ ટીમે કસકથી મક્તપુર રોડ પર રખડતી 7 ગાયને ઝડપી પાડી હતી. પાલિકાએ તમામ 7 ગાયને હાલમાં ભરૂચ પાંજરાપોળમાં રાખી છે.
