ભરૂચ : આજના આધુનિક અને મોબાઈલના યુગમાં જ્યાં શહેરોમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણીની શૈલી બદલાઈ રહી છે, ત્યારે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આજે પણ પ્રાચીન અને પૌરાણિક સંસ્કૃતિ તથા પરંપરાઓ અક્ષુણ્ણ જળવાઈ રહી છે. ગૌરીવ્રતના અંતિમ અને પાંચમા દિવસે ગામની 300 થી વધુ બાળાઓએ પોતાના જવારા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.
ગૌરીવ્રત કરતી નાની-નાની બાળાઓ પોતાની જવારાની ટોપલીઓ લઈને ઢોલ-નગારાના તાલે એક સુંદર શોભાયાત્રા સ્વરૂપે ગામના ભૂદેવ રાજેશભાઈ પુરાણીના નિવાસ્થાને પહોંચી હતી. ત્યાં મહારાજ દ્વારા જવારાનું વિધિવત પૂજન-અર્ચન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ બાળાઓ અને ગ્રામજનોએ ભેગા મળી મહાઆરતી ઉતારી હતી તથા માતાજીના ગરબા અને ધાર્મિક ગીતોની રમઝટ બોલાવી હતી.
