ભરૂચ શહેર જિલ્લામાં મેઘરાજાએ સાર્વત્રીક હાજરી આપી છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઝરમર વરસાદ જારી રહ્યો હતો. જોકે, છુટાછવાયાં વરસાદી ઝાપટાં પણ પડયાં હતાં. ભરૂચ શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો સર્જાયાં હતાં. બીજી તરફ શહેરના ગાંધીબજાર વિસ્તારમાં પૂર આવ્યું હોય તેવું પાણી વહેતું થતાં સ્થાનિક વેપારીઓના માથે ચિંતાની લકિર ઉપસી આવી હતી. ભરૂચ શહેરમાં દિવસભરમાં જોરદાર ઝાપટું પડતા પાણી ભરાવાના પ્રશ્નો ઉભા યતાં હતાં. જોકે, સરકારી ચોપડે માત્ર 3 મીમી વરસાદ નોંધાયો હતો.

ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસુ બેસતાં છેલ્લાં કેટલાંય સમયથી ગરમથી ત્રસ્ત થયેલાં લોકોએ હવે ઠંડક થતાં હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ ખેતરોમાં કાચુ સોનુ વરસતાં ખેડૂતો પણ હરખાયા છે. ભરૂચ જિલ્લામાં ગુરુવારે સવારના 6થી સાંજના 4 વાગ્યા સુધીના સમયગાળામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ હાંસોટમાં 56 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ ભરૂચમાં 3 મીમી અને જંબુસરમાં 4 મીમી નોંધાયો હતો. નોંધવું રહ્યું કે, ભરૂચ શહેરમાં રાત્રીના સમયે અને દિવસભર વરસાદી માહોલ રહેવાને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. કસક ગરનાળામાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાં હતાં. શહેરનું વરસાદી પાણી કાંસ મારફતે નર્મદા નદીમાં જાય છે ત્યારે આ પાણી જૂના ભરૂચ વિસ્તારમાં ગાંધીબજાર વિસ્તારમાં આવતાં જાણે પૂર આવ્યું હોય તેવું પાણી વહેતું થયું હતુ. જેના કારણે સ્થાનિક દુકાનદારોએ તેમની દુકાનમાં પાણી ન આવી જાય તે માટેની કવાયતમાં જોતરાઈ ગયાં હતાં.